દીકરી એટલે બાપનો શ્વાસ અને વિશ્વાસ (કેળવણીના કિનારે)
http://ashokhindocha.blogspot.com M-09426254999
દીકરી એટલે બાપનો શ્વાસ અને વિશ્વાસ...... દીકરો એ બાપનું રૂપ છે તો દીકરી એ બાપનું સ્વરૂપ છે. દીકરો બાપ પાસે અપેક્ષા રાખે-ક્યારેક હુકમ પણ કરે,જ્યારે દીકરી બાપને મદદ કરે. દીકરી એટલે હૂંફની ગુફા કે જેમાં બેસીને બાપ રાહતનો દમ ખેંચી શકે છે. દીકરો પણ બાપને મદદરૂપ થાય છે, પણ આ મદદરૂપ થવાના ઘણાં કારણો છે. જેમ કે દીકરાની ફરજ, દીકરા અને બાપે સાથે મળીને આર્થિક ઉપાર્જન કરીને ઘર ચલાવવું, કુટુંબ કે સમાજના સભ્યો દીકરાને ટોણો ન મારે, સમાજમાં સારા દેખાવા માટે વગેરે. પણ દીકરી બાપને મદદરૂપ થાય છે તેમાં ઉપરનું એક પણ કારણ નથી. દીકરીને બાપ પાસે કોઈ અપેક્ષા હોતી નથી. સાસરે ગયા પછી બાપને મદદરૂપ થવાની દીકરીની ફરજ નથી કે નથી સમાજ કોઈ ટોણો મારવાનો. આમ છતાં સમાજમાં એવા હજારો કુટુંબ જોવા મળે છે કે, જેમાં સાસરે રહીને પણ દીકરી બાપનો હાથ પકડતી હોય, બાપને મદદરૂપ થતી હોય. આ બાબત જ દીકરીની બાપ પ્રત્યેના પ્રેમની નિશાની છે. દીકરી સાસરે ગયા પહેલાં કે પછી પણ બાપનો સતત વિચાર કરતી હોય છે. તેની મા-બાપ સાથેની લાગણી એવી તો જોડાઈ ગઈ હોય છે કે, દીકરા વગરના બાપને કે બાપથી જુદા રહેતા દીકરાની ગેરહાજરીમાં જરૂર પડે કાંધ પણ આપે છે. જમાનો બદલાય છે, પણ દીકરીનો બાપ પ્રત્યેનો પ્રેમ એવો ને એવો જ રહે છે. આવી દીકરી ત્યારે જ જન્મતી હોય છે કે જ્યારે તમે પરભવમાં વધુ પ્રમાણમાં પુણ્ય કર્યાં હોય અને આ ભવમાં પણ તેનો સિલસિલો ચાલુ રાખ્યો હોય. ‘દીકરી એટલે સવાઈ મા.’ માના તમામ સ્વરૂપ દીકરીમાં છે. ઉપરાંત મા દીકરાનો ટેકો લેવા પ્રેમ કરે છે, જ્યારે દીકરી તો ટેકો બનવા પ્રેમ કરે છે. માટે જ દીકરીને સવાઈ મા કહેવામાં સહેજ પણ ખોટું નથી. કહેવત છે કે, ‘મા વિના સૂનો સંસાર’, તો કહી શકાય કે, ‘દીકરી વિના અધૂરો સંસાર.’ એટલે કે, જે બાપને માત્ર દીકરો જ છે, તેનું જીવન અધૂરું જ ગણાય. સંસારમાં રહીને સાચો પ્રેમ પારખવો હોય અને ચાખવો હોય તો દીકરીના બાપ બનવું પડે. આવા દીકરીના બાપ નસીબદાર વ્યક્તિ જ બની શકે. જેને પોતાની દીકરી નથી તે બાપે આ સંસારમાં રહીને કશુંક ખૂબ જ મોટું ગુમાવ્યું છે, પણ આ વાતનો ખ્યાલ દીકરી વિહોણા કમનસીબ બાપને નહીં આવે. તેનો અનુભવ કરવા સદ્નસીબ હોવું જોઈએ અને સદ્નસીબ બનવા દીકરીના બાપ બનવું પડે ! દીકરીને ઘડવામાં માનો ફાળો અનન્ય છે, તો બાપને ઘડવામાં દીકરીનો ફાળો અનન્ય છે. આમ જોતાં... મા વિનાની દીકરી અધૂરી છે, તો દીકરી વિનાનો બાપ અધૂરો છે. રાજા દશરથ આ રીતે અધૂરા હતા. જો તેમને એક દીકરી હોત તો રામને વનમાં જવું ન પડયું હોત. દીકરીએ દશરથને ખખડાવીને કહ્યું હોત કે, રામને વનમાં જવાની જરૂર નથી અને દશરથ રાજાની હિંમત હતી કે દીકરીના વેણને ઉથાપે ? અરે, દીકરી એ તો દીકરી છે. દુનિયાના કોઈ પણ બાપને ખખડાવવાનો અને ધાર્યું કરાવવાનો હક માત્ર દીકરીને જ છે. આ જગતની એક પણ એવી દીકરી નહીં હોય કે, જેણે તેના બાપને સાચવ્યો ન હોય. પોતે ઉંમરમાં નાની હોય છે, પણ સમજમાં મોટી હોય છે. પોતે ભૂખી રહીને બાપને પહેલાં ખવડાવનાર આ દીકરી પાછળ લાખો રૂપિયાનો કરિયાવર પણ નાનો જ પડે. પોતાની મનગમતી વાનગી ખાવા બેસનાર દીકરી સૌ પહેલાં માને પૂછે છે કે, પપ્પા માટે આ વાનગી રાખી છે ને ? રાત્રે પોતે પથારીમાં સૂઈ જઈને બાપને પલંગ કે ખાટલામાં સૂવાડતી આ દીકરીનો ઓરતો કયા બાપને ન આવે ? અડધી રાત્રે ઊઠીને પણ પપ્પા ઓઢીને સૂઈ ગયા છે કે કેમ તેની ખાતરી કરતાં કોઈ દીકરીની ઊંઘ ઊડી ગઈ હોય તેવું આજદિન સુધી સાંભળ્યું નથી. દીકરી પોતાના ખર્ચમાં કાપ મૂકીને બાપની આવકમાં ઘર ચલાવવામાં માને મદદ કરતી હોય છે, જેથી બાપ હળવાશથી સૂઈ જાય. બાપના દરેક સવાલનો તેની પાસે એક જ જવાબ હોય છે, “ચાલશે, ભાવશે અને ફાવશે.” ક્યારેય કોઈ માગણી નહીં,માત્ર લાગણી જ. સતત લાગણીથી નીતરતી દીકરી સાથે એક જ થાળીમાં ખાવાનું દરેક બાપના નસીબમાં નથી હોતું. જો દીકરી મોટી થયા પછી તેની સાથે એક થાળીમાં ખાય તો તે સંભારણું બની જતું હોય છે. બાપ જ્યાં વાપરવાનું કહેતો હોય છે, ત્યાં દીકરી બચાવવાનું કહેતી હોય છે. બાપના ખર્ચ પર સૌથી વધારે કાપ મૂકવાની શરૂઆત દીકરી તરફથી જ થતી હોય છે અને બાપ માટે કોઈ વસ્તુ લાવવાની શરૂઆત પણ દીકરી તરફથી જ થતી હોય છે. બીમારીમાં સપડાયેલ બાપની ચાકરી માટે જ દીકરીનું સર્જન થયું હશે તેમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી જ. એક દીકરા માટે મા જેટલું કરી શકે તેના કરતાં પણ ઓછા સમયમાં દીકરી વધુ કરી જાય છે. મા સાથે દીકરો સાઠ-સિત્તેર વર્ષ રહે છે, જ્યારે બાપ સાથે દીકરી એકવીસથી પચીસ વર્ષ રહે છે. છતાં માના મનમાં દીકરા માટે જેટલા આદર, ભાવના, લાગણી હોય છે તેટલી જ કે તેનાથી પણ વધારે માંડ પચીસ વર્ષ રહેતી દીકરીના મનમાં બાપ માટે હોય છે. તે જ દીકરીની ખરી ખાનદાની છે. બાપને સાચવવામાં અવ્વલ રહેતી દીકરી જરૂર પડે તો બાપને ખખડાવવામાં પણ અવ્વલ રહે છે. કોઈ પણ કુટુંબમાં બાપને ખખડાવવાનો અધિકાર મોટાભાગે દીકરી પાસે જ હોય છે. ચૂપ થાઓ તેમ બાપને ઘરમાં માત્ર દીકરી જ કહી શકતી હોય છે. છતાં બાપની તાકાત નથી કે, તે દીકરીની સામે ગુસ્સાથી બોલી શકે. આ બાબત જ દીકરીને સવાઈ કરે છે. આ દુનિયાનો જે બાપ દીકરીથી ખખડયો ન હોય તેણે ઘણું ગુમાવ્યું છે. એટલું જ નહીં, આવા બાપને લાગણી એટલે શું તે અનુભવવામાં સમય લાગશે. ઓફિસમાં સેવકો કે કર્મચારીને ખખડાવતો બાપ નાની છોકરી સામે ચૂપ કેમ રહે છે ? આટલું જ વિચારજો અને જવાબ શોધજો એટલે દીકરી અને બાપ વચ્ચેનો સંબંધ કેટલો ઊંડો હોય છે તેનું જ્ઞાાન આવશે. અને હા... જો અનુભવ લેવો હોય તો દીકરીના બાપ બનવું પડે અને દીકરીથી ખખડવું પડે. ઘરમાં બાપને ખખડાવતી દીકરી બીજા દ્વારા બાપને ખખડવા નથી દેતી તે તેની વિશેષતા છે. પોતાના બાપ વિરુદ્ધનું એક પણ વાક્ય સાંભળવા દીકરી ક્યારેય તૈયાર હોતી નથી. તેના મતે તો મારો બાપ જ સાચો અને સર્વશ્રેષ્ઠ. સુખી બાપની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય ? જવાબ સરળ જ છે. જેની દીકરી સુખી તે બાપ સુખી. તેનાથી ઊલટું પણ એટલું જ સાચું છે કે, જેની દીકરી દુઃખી તેનો કરોડપતિ બાપ પણ દુઃખી. દીકરી બાપને ઘરે-પિયરમાં હોય ત્યારે એક કહેવત છે : “દીકરી એટલે પારકી થાપણ.” આ કહેવત પાછળનો ભાવાર્થ આપ સૌ જાણો જ છો. આ દીકરી જ્યારે સાસરે જાય ત્યારે કેટલાંક સાસરિયાં તેને ‘પારકી જણી’ પણ કહેતાં હોય છે. આમ દીકરી મારી છે એમ કહેનાર કોઈ જ નહીં. કેવો લુચ્ચો સમાજ ! હકીકતમાં દીકરી એ તો બાપનો શ્વાસ અને વિશ્વાસ છે. બાપ દીકરી પર જેટલો વિશ્વાસ મૂકે છે તેટલો વિશ્વાસ પોતાના દીકરા કે પોતાની પત્ની પર નથી મૂકી શકતો. દીકરી વગરના કમનસીબ બાપને દસ મિનિટ માટે સદ્નસીબ બનવા માટેની એક ચાવી... કોઈની પણ દીકરીને સાસરે વળાવવામાં આવતી હોય ત્યારે કાર કે સ્કૂટર બાજુમાં ઊભું રાખીને પણ તે દૃશ્ય જોજો. તમે આપેલી દસ મિનિટ જ નહીં, પણ તમારા દસ દિવસ સુધરી જશે. રડીને પણ હળવા થઈ શકાય ? આનંદિત થઈ શકાય ? હા... સાસરે જતી કોઈની પણ દીકરીને જોવાનો,આંસુ સાથે આનંદનો પ્રસંગ ! કેવો અમૂલ્ય પ્રસંગ. એક જ બોલથી બાપની બોલતી બંધ કરી દેતી દીકરીએ હવે સતત બીજાના જ બોલ મૌન બનીને સાંભળવાના છે. છતાં આનંદિત થઈને રડતો બાપ દીકરીને સાસરે વળાવે ત્યારનો પ્રસંગ રામાયણ કે ગીતા કરતાં સહેજ પણ ઓછો પવિત્ર નથી. આવા પવિત્ર પ્રસંગે આંસુરૂપે પડતું દરેક ટીપું ગંગાના પવિત્ર જળ જેટલું જ પવિત્ર ગણાય. આવું દરેક આંસુ અમૃત જળ કહેવાય. જેને વહેવડાવવાનો મોકો ભાગ્યશાળી વ્યક્તિને જ મળે. કેટલાક વિધાનો વિચારજો... કોઈ દીકરીએ બાપ પાસે માગ્યું નથી અને કોઈ બાપે દીકરીને ઓછું આપ્યું નથી. દીકરી ઘર છોડીને જાય ત્યારે થાપા કરે છે, કારણ તે જાણે છે બાપનો દીકરો મિલકત માટે અંગૂઠો કરશે અને મિલકત લેશે. જ્યારે દીકરી કહે છે કે, ભાઈ માત્ર અંગૂઠો જ નહીં, મારા દસેદસ આંગળાની છાપ આપું છું કે મારે મિલકત જોઈતી નથી. દીકરીને કારણે બાપ દેવાદાર બન્યો હોય તેવા ઉદાહરણ ભાગ્યે જ હશે, પણ દીકરાને કારણે ????? દીકરી એ તો બાપનું આરોગ્ય છે. માટે તો દીકરીને કાળજાનો કટકો કહ્યો છે,
દીકરાને નહીં.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment