Thursday, July 16, 2009


દારૃ-લઠ્ઠાના ગુનેગારોને ફાંસી
www.bsnlnewsbyashokhindocha.blogspot.com


ગાંધીનગર, તા.૧૫

અમદાવાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડના પગલે ગુજરાતના પ્રધાનમંડળે હાલના ‘મુંબઇ નશાબંધી (ગુજરાત સુધારા) કાયદામાં વધુ સુધારો કરીને દારૃ અને લઠ્ઠાના ગુનેગારોને ફાંસીની સજા કરવાની અભૂતપૂર્વ જોગવાઇ કરતું એક બિલ આજે મંજૂર કર્યું છે. આ બિલ વિધાનસભાના ચાલુ સત્રમાં જ સરકાર ચર્ચા માટે ગૃહમાં રજૂ કરનાર છે.

આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં લઠ્ઠાકાંડના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને મોદીની સૂચનાને પગલે કાયદા વિભાગે વર્તમાન નશાબંધી કાયદામાં રહેલી ક્ષતિઓ દૂર કરવા તેમજ સમગ્ર કાયદાને વધુ શક્તિશાળી બનાવવા માટે સુધારા વિધેયક તૈયાર કરાયું હતું તેની ચર્ચા વિચારણા કરીને મંજૂર કરવામાં આવ્યું હતું. સૂચિત બિલ હવે નશાબંધી કાયદા (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૦૯ તરીકે આજે વિધાનસભા સચિવાલયને ગૃહમાં દાખલ કરવા માટે મોકલી આપવામાં આવ્યું છે. સરકારનંુ માનવું છે કે અગાઉ ૧૯૯૭ સુધીમાં ૨૫ લઠ્ઠાકાંડમાં ૩૫૪ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા છે અને ઘણા કિસ્સામાં તપાસ પંચ પછી પણ કોઇ નક્કર કાર્યવાહી થઇ ન હોવાથી હવે કાયદામાં પણ સુધારા કરી આકરી જોગવાઇ કરવી આવશ્યક જણાઇ છે. અગાઉ પણ મિથેનોલ જેવા કેમિકલથી બનાવાતા ઝેરી દેશી શરાબ પીવાથી આવા લઠ્ઠાકાંડ સર્જાયા હતા અને આજે પણ અમદાવાદમાં આ જ રીતે બનેલા લઠ્ઠાએ અનેક લોકોના જાન લીધા છે. સૂચિત બિલની જોગવાઇઓ મુજબ દારૃ અને લઠ્ઠાના ગુનેગારોને ફાંસીની સજાને પાત્ર થાય તેવા સુધારા કરવામાં આવ્યા છે. આની સાથોસાથ, નશાબંધીના કાનૂનના અમલ માટે નિષ્કાળજી દાખવનાર પોલીસ અધિકારીઓને પણ એક વર્ષ સુધીની જેલની સજા થાય તેવી આકરી જોગવાઇ પણ સૂચવાઇ છે. સમગ્ર દેશમાં લઠ્ઠા કે દારૃના ગુનેગારો સામે મૃત્યુ દંડ કે આજીવન કેદની સજા જેવા સખ્ત જોગવાઇવાળો કાયદો હાલ અસ્તીત્વમાં નથી. આ બિલમાં લઠ્ઠાની વ્યાખ્યા કરવામાં આવી છે. કલમ ૨૩ક પ્રમાણે લઠ્ઠો એટલે એવો બનાવટી દારૃ જેમાં, મિથેનોલ હોય અથવા માનવ શરીરને નુકસાનકારક અથવા હાનિકારક અસરો થાય તેવો અથવા જેનાથી વ્યક્તિનું મૃત્યુ નીપજે તેવો બીજો કોઇ પણ ઝેરી પદાર્થ હોય.

•ભૂતકાળમાં ૨૫ લઠ્ઠાકાંડમાં ૩૫૪ લોકોએ જાન ગુમાવ્યા છતાં નક્કર પગલાં લેવાયાં નથીઆ ઉપરાંત સન ૧૯૪૯ના મુંબઇના ૨૫મા અધિનિયમમાં નવી કલમ ૬૫-ક ઉમેરવા માટેની જોગવાઇ કરવામાં આવી છે અને આ જોગવાઇમાં જે કોઇ વ્યક્તિ એટલે કે લઠ્ઠાનું ઉત્પાદન કરતી હોય, દારૃ ગાળવાની ભઠ્ઠી અથવા દારૃ બનાવવાની ભઠ્ઠી માટેનું કોઇ બાંધકામ અથવા કોઇ કામ કરતી હોય, લઠ્ઠાનું વેચાણ કરતી હોય અથવા તેની ખરીદી કરતી હોય અથવા લઠ્ઠો વાપરતી હોય, રાખતી હોય, હેરફેર કરતી હોય અથવા પોતાના કબજામાં રાખતી હોય તેને દોષિત ઠર્યેથી, દસ વર્ષ સુધની, પરંતુ સાત વર્ષથી ઓછી ન હોય તેટલી મુદત સુધીની કેદની અને દંડની પણ શિક્ષા થશે. આમ, દારૃ બનાવનારા, દારૃની હેરફેર કરનારા, સંગ્રહ કરનારા, દારૃનું વેચાણ કરનારા અને લઠ્ઠાનો સંગ્રહ કરનારા ગુનેગારોને આકરી સજાની જોગવાઇ ઉમેરાશે.

કલમ ૬૫-કની પેટા કલમ (૧)માં ઉલ્લેખેલા લઠ્ઠાના ઉપયોગથી કોઇપણ વ્યક્તિનું મૃત્યુ નીપજે તો, જે વ્યક્તિએ લઠ્ઠાનું ઉત્પાદન કરેલુ હોય, રાખેલો હોય, તેનું વેચાણ કરેલું હોય અથવા તે પીવાની અથવા વિતરણની વ્યવસ્થા કરેલી હોય તેને, દોષિત ઠર્યેથી મૃત્યુ દંડ અથવા આજીવન કેદની અને દંડની શિક્ષાને પાત્ર થશે. આમ, બુટલેગર્સને હવે મૃત્યુ દંડથી આજીવન કેદની સજા થઇ શકશે. આ જ રીતે નવી કલમ ૯૪ ક દ્વારા સરકારે જે પોલીસ અધિકારીઓ અને નશાબંધી વિભાગના અધિકારીઓ આ કાયદાના અમલમાં નિષ્કળજી દાખવવા માટે જવાબદાર ઠરશે તેની સામે કાનૂની ગનો દાખલ કરીને તેઓ સામે કેસ પણ ચલાવાશે અને એક વર્ષ સુધીની જેલની સજાને પાત્ર ઠરાવાયા છે. એટલું જ નહીં કલમ ૯૮માં સુધારો કરીને સરકારે એવી પણ જોગવાઇ કરાઇ છે કે આવા અધિકારીઓ કોર્ટના આખરી ચુકાદા સુધી વાહનો, સાધનો વગેરેને બોન્ડ અથવા જામીન પર મુક્ત કરી શકાશે નહીં.

આ ઉપરાંત લઠ્ઠો કે દારૃ વગેરે નિયત કરેલી મર્યાદા ઉપરાંતના જથ્થાની હેરાફેરી, પરિવહન માટે વપરાશમાં લેવાના તમામ પ્રકારના વાહનો, સાધનો વગેરે સરકારી સંપત્તિ તરીકે જપ્ત કરી લેવાને પાત્ર બનશે. સૂચિત સુધારામાં આ પ્રકારે પકડાયેલા દારૃ, લઠ્ઠા વગેરેના નમૂના ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં મોકલવાનું ફરજિયાત બનશે.

સૂચિત સુધારા
•ગુનેગાર માટે આજીવન કેદથી મૃત્યુ દંડ સુધીની આકરી સજા
•દારૃ-લઠ્ઠો બનાવનાર, હેરાફેરી, સંગ્રહ, વેચાણ કરનારને દસ વર્ષ તેમજ આવો જથ્થો પૂરો પાડનાર બુટલેગર્સને આજીવન કેદથી મૃત્યુ દંડ સુધીની સજા.
•વાહનો, સાધનોને સરકારી મિલકત ગણીને જપ્ત કરાશે.



More News From : Ahmedabad City

■ શહેરમાં બીજા દિવસે પણ તોફાની વરસાદ

■ ગોઝારા લઠ્ઠાકાંડના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ‘સુઓમોટો’ રિટ

■ MBA- MCAની મેરિટ યાદી હવે ૨૦મીએ મૂકાશે

■ લઠ્ઠાકાંડમાં વધુ ત્રણનાં મોત મૃત્યુઆંક ૧૭૫ પર પહોંચ્યો

www.bsnlnewsbyashokhindocha.blogspot.com

No comments: