વિદેશી મુરતિયા સાથે લગ્ન કરતાં પહેલાં...??
સાવચેતી -: કિરણ કાણકિયા
www.ashokhindocha.blogspot.com www.lohanavaivisal.org M-94262 54999સાવચેતી -: કિરણ કાણકિયા
સલોનીનાં લગ્ન લંડનમાં રહેતા આકાશ સાથે થયા. દેખાવડો, સોહામણો, સોફટવેર એન્જિનિયર અને વળી નામાંકિત કંપનીમાં કામ કરતાં આકાશ સાથે લગ્ન કરી સલોની સાતમા આસમાનમાં વિહરવા લાગી, પરંતુ લંડન પહોંચ્યા પછી થોડા દિવસોમાં જ તેને જમીન દેખાવા લાગી. આકાશ સંકુચિત વિચારનો અને રૂઢિચુસ્ત હતો. તે સલોનીને ઘરની બહાર નીકળવા નહોતો દેતો અને ઘરમાં નોકરાણીની જેમ રાખતો હતો. સલોનીનો પાસપોર્ટ તેના કબજામાં હતો. તેને ફોન કરવાની પણ મનાઈ હતી. સલોની ચોધાર આંસુ સારી રડતી હતી અને એક દિવસ તે યેનકેન પ્રકારેણ ઈન્ડિયા પાછી આવી ગઈ. કંઈક આવું જ ખુશીના કિસ્સામાં બન્યું હતું. લગ્ન કરીને તે અમેરિકા ગઈ. થોડા દિવસોમાં જ તેના વર તથા સાસુ તરફથી દહેજની માગણી થવા લાગી. અને માગણી પૂરી ન થતાં તેને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી. જેમ તેમ કરી તે ભારત પાછી ફરી. એનઆરઆઈ (નૉન-રેસિડન્ટ ઈન્ડિયન) મુરતિયાઓની દાદાગીરી અને જુલમનો શિકાર બનતી ભારતીય છોકરીઓની સંખ્યા દિનપ્રતિદિન વધવા લાગી છે. રાષ્ટ્રીય મહિલા પંચ અને કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઑફ ઓવરસીઝ ઈન્ડિયન અફેર્સ વિદેશમાં પરણતી ભારતીય યુવતી પર થતા અત્યાચાર અને તેમની સાથે થતી છેતરપિંડીની ઘટનાથી વાકેફ છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં લગભગ ૪૦૦ જેટલી યુવતીઓ છેતરપિંડી બાબતે રાષ્ટ્રીય મહિલા પંચની પાસે ફરિયાદ કરવા ગઈ હતી.
એનઆરઆઈનું ચલણ કેમ વધી રહ્યું છે..??
સામાન્ય રીતે માતા-પિતા વિચારે છે કે દીકરીના લગ્ન એનઆરઆઈ યુવક સાથે થાય તો તે વિદેશમાં એશોઆરામથી રહી શકશે. એટલે આવો પ્રસ્તાવ આવતા ઝાઝો તપાસ ન કરતા ચટ મંગની અને પટ બ્યાહ કરી લે છે. કેટલીકવાર કુટુંબ અને સમાજમાં વટ પાડવા માટે પણ તેઓ આવા લગ્ન કરી નાખે છે. તો કેટલીકવાર છોકરીઓ જલદી પૈસાદાર બનવા અને વિદેશ જવાની ઈચ્છાને કારણે એનઆરઆઈ યુવકને ઝટ મંજૂર કરી લે છે. પરિવારના સભ્યોને પણ વિદેશ જવાની તક મળે એવા લોભ તથા ઘેલછામાં ઘણાં માતા-પિતા પોતાની દીકરીને વિદેશમાં અજાણ્યા કે ઓછા જાણીતા યુવક સાથે પરણાવી દેવાનો મૂર્ખામીભર્યો નિર્ણય લે છે. ઘણાં ખરાં મા-બાપને તો અખબોરામાં પ્રગટ થતી મેરેજ બ્યુરોની જાહેરખબર જોઈને વિદેશી મુરતિયાનો મોહ લલચાવી દે છે.
કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે..??
છેતરપિંડીના મોટાભાગના કેસમાં વરરાજા તો નવવધૂ સાથે અમુક દિવસ ગુજાર્યા બાદ વિદેશ ઉપડી જાય છે અને પત્નીને તેઓ ક્યારેય તેડાવતા નથી. કેટલાક કિસ્સામાં પત્ની પ્રેગ્નન્ટ બનેલી હોય છે. છતાં તેને છોડી દેવામાં આવે છે. વધુ જાણકારી ન હોવાથી પિયરિયાં કશું કરી શકતા નથી. અમુક કિસ્સામાં પત્નીને વિદેશ લઈ જવાય છે, પરંતુ પછી દહેજના રૂપમાં તેની પાસે તગડી રકમની માગણી પણ કરવામાં આવે છે. કેટલીકવાર છોકરીને શારીરિક અને માનસિક ત્રાસ આપી ખાલી હાથે ભારત પાછી ફરવા મજબૂર કરાય છે. કેટલીકવાર યુવતી વિદેશ જાય ત્યારે તેને પતિનાં પહેલાં લગ્નની જાણ થાય છે અને તેનો નોકરાણી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગના કિસ્સામાં યુવતીને વિદેશ પહોંચ્યા પછી જાણ થાય છે કે પતિએ આપેલી જાણકારી ખોટી છે. નોકરી, પગાર, મિલકત વગેરે બાબતમાં પોતે છેતરાઈ ગઈ છે. વિદેશોમાં ડિવોર્સને લગતા કાયદા અને કાયદાકીય પ્રક્રિયા સરળ હોય છે, જેનો ફાયદો ઉઠાવી પત્ની પર ખોટા આક્ષેપ-આરોપ લગાવી તેને ડિવોર્સ આપી દેવામાં આવે છે. ડિવોર્સ પછી યુવતી જો ભારતમાં રહેતી હોય તો મોટે ભાગે તેનો પતિ અને સાસરિયાં તેને ભરણપોષણ આપવાનો ઈનકાર કરે છે. કેમકે વિદેશની કોર્ટમાં ફેંસલા પ્રમાણે તેના લગ્ન તૂટી ગયા છે અને જો યુવતી ભરણપોષણ કે ડિવોર્સ માટે પતિની વિરુદ્ધ ભારતીય કે વિદેશી કોર્ટમાં અપીલ કરવા માગે તો તેને કાયદાની જાણ ન હોવાથી વધુ મુસીબતનો સામનો કરવો પડે છે.
લગ્નનો નિર્ણય લેતાં પહેલાં...??
સૌથી પહેલાં એ જાણી લો કે છોકરાના લગ્ન થઈ ગયાં છે કે તે ડિવોર્સી છે. ડિવોસ લીધા વગર જ પત્નીથી અલગ રહેતો નથી ને. વિદેશી મુરતિયાને પરણતા પહેલાં તેનો પાસપોર્ટ, જન્મનું પ્રમાણપત્ર, નેચરલાઈઝેશન સર્ટિફિકેટ, ગ્રીન કાર્ડ, સોશ્યલ સિક્યૉરિટી કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, ઈન્કમટેક્સ રિટર્ન અને બૅન્ક સ્ટેટમેન્ટ તપાસી લેવાં. મુરતિયો ડિવોર્સી કે વિધુર હોય તો આગલા લગ્નના ફોટા, મૃત્યુનું પ્રમાણપત્ર તથા કોર્ટની કાર્યવાહીના બધા પેપર્સ જોઈ લેવાં. વળી, તેનું શિક્ષણ, પગાર, ઑફિસનું સરનામું અને જો બિઝનેસ કરતો હોય તો તેની માહિતી મેળવી લો. તેના વિઝાની પૂરી જાણકારી મેળવો અને તે લગ્ન પછી પત્નીને પોતાની સાથે વિદેશ લઈ જવા માટે લાયક છે કે નહીં એ પણ જાણી લો. તેની વિદેશ અને ભારતની પ્રોપર્ટી વિશે જાણી લો. તેને કોઈ જાતનું દેવું છે કે નહીં એ પણ જાણી લો. તેના નામે કોઈ ક્રિમિનલ રેકોર્ડ તો નથી ને એ પણ જાણી લો. તેના સગાં-સંબંધીની પૂરી જાણકારી પ્રાપ્ત કરો. લગ્ન પછી તેઓ સંયુક્ત કુટુંબમાં રહેશે કે જુદા એ સ્પષ્ટ કરી લો. ભારત અને વિદેશના ઘરનું સરનામું જાણી લો.
લગ્ન થયા પછી...??
લગ્ન પહેલાં એ દેશના કાયદાઓ અને અધિકારો વિશે દીકરીને જણાવો. રીત-રિવાજોની સાથે લગ્નનું રજિસ્ટ્રેશન જરૂર કરાવો. કોઈ તકલીફ આવે તો પ્રૂફના રૂપમાં એ કામ લાગી શકે. લગ્ન થયા પછી જો ડિવોર્સની કે છોડી દેવાની ધમકી આપીને પૈસા કે કોઈ ચીજની તેમના દ્વારા માગણી કરવામાં આવે તો દબાણમાં આવીને કોઈ ફેંસલો ન કરો. પતિ કે સાસરિયાં દ્વારા કોઈ પણ રીતે હેરાન કરવામાં આવે તો ચૂપ ન રહો, પરંતુ ત્યાંની મદદરૂપ બનતી સંસ્થાનો સંપર્ક કરો. જો પતિ ડિવોર્સ માટે કોર્ટમાં કેસ ફાઈલ કરે તો જરૂરી નથી કે તમારે કોર્ટમાં જવું પડે. ભારત આવીને તેની વિરુદ્ધ કેસ દાખલ કરી શકો છો, કેમ કે વિદેશ કરતાં ભારતના કાયદાઓ સ્ત્રીઓની તરફેણમાં હોય છે. ઘરની નજીક યુવતીએ પોતાના નામથી બૅન્ક-અકાઉન્ટ ચોક્કસ ખોલાવેલું હોવું જોઈએ. ત્યાંના પાડોશીઓ, મિત્રો, સંબંધીઓ, પોલીસ એમ્બ્યુલન્સ, ઈન્ડિયન એમેન્સી કે હાઈ કમિશનના સંપર્ક માટે તેમના ફોન નંબર અવશ્ય પોતાની પાસે રાખો. પાસપોર્ટ, વિઝા, બૅન્ક, પ્રોપર્ટીના કાગળ, મેરેજ સર્ટિફિકેટની એક ફોટોકોપી પોતાની પાસે અને એક કોપી ભારતના ઘરમાં જરૂર રાખો. પતિની બાબતના બધા કાગળિયાની ફોટો કોપી પણ છોકરીની પાસે હોવી જોઈએ. લગ્ન પછી પણ યુવતી ભારતમાં રહેતી હોય અને તેનો પતિ વિદેશમાં હોય તો ફોન કે ઈ-મેઈલ દ્વારા સંપર્કમાં રહો.
શું ના કરવું જોઈએ... .??
➨ ઉતાવળ કે કોઈના દબાણમાં આવીને લગ્નનો નિર્ણય ન લો.
➨ છોકરો અને તેના પરિવારને મળ્યા સિવાય માત્ર ફોન પર વાત કરીને અને ઈ-મેઈલના આધારે લગ્ન નક્કી ન કરો.
➨ અખબારો અથવા મેટ્રિમોનિયલ સાઈટ્સ પર આવેલી લોભામણી જાહેરખબરની જાળમાં ન ફસાઓ.
➨ મેરેજ બ્યૂરો, એજન્ટ કે મધ્યસ્થી દ્વારા લગ્ન કરતાં પહેલાં પૂરતી તપાસ કરો.
➨ છૂપી રીતે લગ્ન ન કરો. સગાં-સંબંધી અને મિત્રોને પણ જરૂર બતાવો. કેટલીકવાર છુપાયેલી વાતની જાણ સંબંધી કે મિત્રો દ્વારા જાણી શકાય છે.
➨ ભારતમાં જ લગ્ન કરો. વિદેશમાં લગ્ન કરવા માટે સંમત ન થાઓ.
➨ વિદેશ જવા માટે કોઈ દબાણ કે લાલચમાં આવીને નક્લી કે ખોટી રીતે કાગળો ન બનાવો.
➨છેતરપિંડીનો ભોગ બનેલી મહિલા ભારતમાં મદદ મેળવી શકે છે.
➨ રાષ્ટ્રીય મહિલા પંચે એનઆરઆઈ સેલ બનાવ્યો છે. ફરિયાદ માટે...
www.ashokhindocha.blogspot.com
www.lohanavaivisal.org M-94262 54999
hindochaashok@gmail.com
(Courtesy : Mumbai Samachar)
============================== ============================== =============
આવા પ્રકારના લેખો તથા સમાચારો અને અવનવી માહીતી અમારા બ્લોગ ઉપર ઉપલબ્ધ છે..
નીચેની લીન્ક ઉપર કલીક કરવાથી અમારા આ બ્લોગ ની મુલાકાત લઇ શકાશે...
નીચેની લીન્ક ઉપર કલીક કરવાથી અમારા આ બ્લોગ ની મુલાકાત લઇ શકાશે...
આભાર
આપનો સહ્દયી
અતુલ એન. ચોટાઈ
પત્રકાર અને લેખક